રાજકોટમાં ફરી એક વખત શિક્ષણ વિભાગે જિલ્લાઓની શાળાઓ પર કડક વલણ દાખવ્યું છે. હાલમાં જિલ્લામાં કાલાવડ રોડ પરની શાળાની મનમાની સામે આવી છે. જેમાં શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ મનમાની રીતે સ્કૂલના મકાનનું સ્થળાંતર કર્યું હતું. આ મામલે સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે. શાળા સંચાલકો પણ અસમાજિક તત્ત્વોની જેમ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરી મનસ્વીવલણ કરવા લાગ્યા છે.


 SNSD સ્કૂલ વિવાદમાં સપડાઈ

રાજ્યમાં વેકેશનના માહોલ બાદ જૂન મહિનાના આરંભ સાથે વિદ્યાર્થીઓના કલહલાટથી શાળાઓ ગુંજવા લાગી છે. દરમિયાન શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં જ SNSD સ્કૂલ વિવાદમાં સપડાઈ. આ મામલાની વિગત મુજબ કાલાવાડ રોડ પર ભાડાના મકાનમાં SNSD સ્કૂલ ચાલતી હતી. અને અચાનક શાળા સંચાલકો દ્વારા સ્કૂલનું સ્થળાંતર કરવામાં આવ્યું. SNSDના શાળાના સંચાલકોએ શિક્ષણ વિભાગની મંજૂરી વગર આ સ્કૂલનું મકાનનું બિલ્ડીંગ બદલતા વાલીઓ પણ નારાજ થયા હતા.

સ્કૂલ સ્થાંળતર કરાતા સંચાલકોને નોટિસ

કાલાવડ પર આવેલ SNSD સ્કૂલ મંજૂરી વગર શાળા હરીપર સ્થળાંતર કરી દેતા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને આ મામલે ખુલાસો કરવા હુકમ કર્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કરવામાં આવશે. શાળા સંચાલકો દ્વારા યોગ્ય જવાબ નહીં મળે તો શાળા બંધ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

શિક્ષણ વિભાગના નિયમોનું ઘોર ઉલ્લંઘન

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટમાં જ શિક્ષણ વિભાગના નિયમોના ધજાગરા ઉડયા હતા. જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ મનમાની રીતે સ્ટેશનરીનું વેચાણ કરી લૂંટ ચલાવતી હતી. આ મામલે જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા ડીઈઓને ફરિયાદ કરવામાં આવતા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને નોટિસ ફટકારી હતી. છતાં પણ પરિપત્રનું ઉલ્લંઘન કરી શાળાઓ નોટબુક જેવી શૈક્ષણિક સામગ્રી માટે ચોક્કસ દુકાનેથી ખરીદવા વિદ્યાર્થીઓને આગ્રહ કરતા હોવાનું સામે આવ્યું છે.

  • Follow us on: