રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં પડેલા કમોસમી વરસાદ બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે. માત્ર સામાન્ય વરસાદ પડવા છતાં ગામના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને જાણે સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોને ભારે હાલાકીનો અનુભવી રહ્યા છે. મોટી પાનેલી ગામે થોડાક સમય અગાઉ જ સીસી રોડ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું કામ કરવામાં આવ્યું હતું.


મોટી પાનેલી ગામમાં વરસાદી પાણી ભરાયા

જોકે આ કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામમાં અંદાજે પોણો ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હોવા છતાં ડો. જસાણી સાહેબના દવાખાના નજીકના વિસ્તારમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા જામ થઈ ગઈ હતી. ગટરનું પાણી યોગ્ય રીતે નિકાલ ન થતાં વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો હેરાન-પરેશાન જોવા મળ્યા હતા. રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું.

પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી

જેના કારણે લોકોને રોજબરોજના કામકાજમાં તકલીફ પડી હતી. કમોસમી વરસાદને કારણે ઉદભવેલી આ પરિસ્થિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ગામમાં થયેલું ભૂગર્ભ ગટર અને રોડનું કામ અયોગ્ય અને નબળી ગુણવત્તાનું હતું. મોટી પાનેલી ગામના લોકોએ વહીવટી તંત્ર પાસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવાની માંગણી કરી છે.


  • Follow us on: