ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35 ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32 ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52 ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.ચોમાસા દરમિયાન રાજ્યના 141 તાલુકામાં 251થી 500 મિમિ સુધી, 55 તાલુકામાં 501થી 1000 મિમિ તેમજ 18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ થયો હોવા છતાં કેટલાક જળાશયોમાં એકાદ મહિનો ચાલે એટલું જ પાણી છે.
રાજકોટમાં સિઝનનો 20 ઇંચ વરસાદ ખાબક્યો
રાજકોટમાં સિઝનનો 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. આટલો વરસાદ વરસ્યો હોવા છતાં આજી-1 અને ન્યારી-1માં એકાદ મહિનો ચાલે તેટલું જ પાણી છે. જ્યારે ભાદર-1 ડેમમાં આગામી એક વર્ષ ચાલે એટલું જ પાણી છે. ચાલુ વર્ષે વરસાદી સિસ્ટમમાં ફેરફાર થવાથી જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. જો હવે વરસાદ ખેંચાશે તો રાજકોટ જિલ્લાને નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. આગામી દોઢ મહિનામાં સારો વરસાદ વરસે તો આખું વર્ષ મુશ્કેલી નહીં પડે. વરસાદ ખેંચાશે તો પીવાના પાણીનો આધાર નર્મદા નીર પર રહેશે.
રાજ્યમાં ઝોન વાઈઝ ડેમની સ્થિતિ
રાજ્યમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ઝોન વાઈઝ ડેમની સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54.66, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.70, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 59.11, કચ્છના 20 ડેમમાં 56.24, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64.52 અને સરદાર સરોવર જળાશયમાં 56.78 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ ભરાયો નથી. મધ્ય ગુજરાતના બે, દક્ષિણ ગુજરાતમાં પાંચ, કચ્છમાં પાંચ, સૌરાષ્ટ્રમાં 16 ડેમ છલોછલ ભરાઈ ગયાં છે.રાજ્યના 207 જળાશયોમાં 59.03 ટકા પાણીનો જથ્થો છે.