ચોમાસામાં શહેરમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ એક મહત્વકાંક્ષી માસ્તર પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત શહેરના 60 જેટલા નીચાણવાળા વિસ્તારોમાં રેઇન સેન્સર કેમેરા (CCTV) લગાવવામાં આવ્યા છે. જેથી પાણી ભરાય તે પહેલા જ તેની જાણકારી મળી શકે અને તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરી શકાય.
લલુડી વોકળી, રામાપીર, પોપટપરામાં લગાવ્યા CCTV
મનપા દ્વારા લલુડી વોકળી, રામાપીર ચોક અને પોપટપરા જેવા પાણી ભરવાની સંભાવના ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપીને ત્યાં CCTV કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આ રેઇન કેમેરાનું કંટ્રોલ કમાન્ડ રૂમને સોંપવામાં આવ્યું છે. કમાન્ડ રૂમમાં 15 કર્મચારીઓનો સ્ટાફ ચોવીસ કલાક ખડેપગે હાજર રહેશે.
પાણી ભરાશે તો વોર્ડ ઇન્સ્પેક્ટરને અપાશે જાણકારી
મહત્વનું છે કે, આ સ્ટાફ કેમેરા દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખશે. જો કોઈ વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થશે અથવા પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચશે તો તાત્કાલિક વોર્ડ ઇન્સ્પેકટરને જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ વોર્ડ ઇન્સ્પેકટર જે તે વિસ્તારમાં જઈને પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. આ ટેકનોલોજી આધારિત પહેલથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું સમયસર નિરાકરણ લાવી શકાશે અને રાજકોટના નાગરિકોને જળબંબાકારની સ્થિતિથી બચાવી શકાશે તેવી મનપા આશા રાખી રહી છે.