રાજકોટના ગોંડલમાં ત્રાકુડા ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી ધર્મેશ હાપલીયા સામે 70 લાખની કિંમતના 44 પ્લોટના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે. કાર્યકાળ દરમિયાન તેમણે પોતાના હોદ્દાનો દૂરૂપયોગ કરીને અધિકારીના ખોટા સહી સિક્કા કરી બનાવટી દસ્તાવેજો બનાવીને 31 લોકોને ગેરકાયદેસર રીતે પ્લોટ વેચ્યા હતાં. પોલીસે ધર્મેશ હાપલિયા સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


નકલી દસ્તાવેજોથી સરકારી જમીનના સનદનું કૌભાંડ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા જમીન કૌભાંડ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી.પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હતી. જે અંગે પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલીયાની ધરપકડ

તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ હતા? તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તલાટીની ધરપકડ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: