રાજકોટમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ પડયો. ચોમાસામાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો. જિલ્લામાં રોગચાળો બેફામ બનતા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી. એક જ સપ્તાહની અંદર 2021 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું અને ફોંગિગની કામગીરી હાથ ધરી.


આરોગ્ય વિભાગ એકશનમાં

વરસાદ બાદ રાજકોટમાં મોસમી રોગચાળા વકર્યો. જિલ્લામાં એક સપ્તાહની અંદર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા છે. જિલ્લામાંથી દર્દીઓના સામે આવેલ આંકડા મુજબ તાવના 957, શરદી ઉધરસના 780 કેસ, ટાઈફોઈડના 2, ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો. આ દિવસોમાં પ્રદૂષિત પાણીથી થતા કમળાની બીમારીના દર્દીઓ પણ નોંધાયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કિસ્સા સામે આવ્યા છે જેમાં સામાન્ય લાગતા તાવ અને ઉલટી જેવી સમસ્યામાં પણ દર્દીના મોત થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને નજરઅંદાજ કરી શકાય નહી. હોસ્પિટલમાં તાવ અને શરદી ટાઈફોઈડ અને કમળાની બીમારીના દર્દીઓ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.

રહેણાંક અને કોમર્શિયલ સ્થળોને ફટકારી નોટિસ

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા મચ્છરોના ઉપદ્રવ ધરાવતા વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી. દરમિયાન સ્વચ્છતા મામલે 111 ઘર તેમજ 284 કોમર્શિયલ સ્થળોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી. જયારે 64 આસામીઓને મચ્છર ઉત્પત્તિ મામલે 38 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. નોંધનીય છે કે રાજકોટમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 47 ટકા વરસાદ નોંધાયો. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી પરંતુ તંત્રની પ્રિ-મોનસૂનની નબળી કામગીરીના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રોગચાળો બેકાબૂ બની રહ્યો છે.

  • Follow us on: