રાજકોટમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. ત્યારે જસદણના સ્મશાન વાળા રોડની બિસ્માર હાલતથી મૃતકની નનામી લઈ જવામાં પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે, રસ્તા પર ખાડાઓ અને ખુલ્લી ભૂગર્ભ ગટરથી પ્રજા પરેશાન છે. ત્યારે લોકોનું કહેવું છે કે બે દિવસ પહેલા જ્યાં નનામીને વિસામો આપવામાં આવે તે જગ્યાએ કાંધ દેનાર વ્યક્તિનો પગ લપસી પડતા નનામી નીચે પડી ગઈ હતી.


વરસાદના સમયે અનેક લોકો ખાડામાં પડે છે

સ્મશાન વાળા મુખ્ય રસ્તાની બાજુમાં ગેબનશા સોસાયટી આવેલી છે, સોસાયટીના લોકો ખાડાઓ વાળા રસ્તાથી પરેશાન છે. છેલ્લા 15 વર્ષથી આવી હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં લોકોની ફરિયાદનું કોઈ નિવારણ આવતું નથી, રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેમાં વાહન ચાલકોનું વાહન ખાડામાંથી પસાર થાય છે, ત્યારે વાહનમાં નુકસાન પણ થાય છે. મોટા મોટા ખાડાઓને લઈને ટ્રાફિક જામ થાય છે, ચાલુ વરસાદમાં રસ્તા પર પસાર થનાર રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો ગબડીને પડી જાય છે.

મંદિરે આવતી-જતી વખતે પણ લોકોને હાલાકી

સ્મશાન વાળા મેલડી માનું મંદિર આવેલું છે. મંદિરે રવિવાર અને મંગળવારે લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે લોકોને રસ્તા પર પસાર થવામાં બહુ જ તકલીફ પડે છે, જ્યારે ગેબનશા સોસાયટીના લોકોની એક જ માગ છે કે તાત્કાલિક ખાડા પુરવામાં આવે અને તે સિવાયની અન્ય બીજી સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત માગનારા લોકો મુસીબતના સમયે કોઈ પણ દેખાતા નથી, જ્યારે નળવેરો, સફાઈવેરો, મકાનનો વેરો લેવો હોય છે. ત્યારે તો તાત્કાલિક આવી જાય છે પણ પબ્લિકનું કામ કરવાનું આવે ત્યારે કોઈ દેખાતું નથી એવું વિસ્તારના લોકો કહી રહ્યા છે.

  • Follow us on: