ગુજરાતમાં સ્કૂલોમા નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. સ્કૂલો શરૂ થઈ ગઈ હોવા છતાં રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલમલોલ ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી FRCના ચેરમેનની નિમણૂંક નહીં કરાઈ હોવાથી ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વસૂલી રહી હોવાના આક્ષેપ કરાયા છે. 600થી વધુ શાળાઓની ફી હજી સુધી નક્કી નથી થઈ શકી. જેના કારણે મોંઘવારીના સમયમાં વાલીઓના ખભે ભાર આવ્યો છે.


છેલ્લા પાંચ મહિનાથી ચેરમેન વિના કમિટી ઠપ્પ થઈ ગઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં છેલ્લા પાંચ મહિનાથી FRCના ચેરમેનની નિમણૂક કરવામા આવી નથી. જેના કારણે 600થી વધુ શાળાઓની ફી નક્કી થઈ શકી નથી. FRCની મંજૂરી વિના અનેક શાળાઓએ બારોબાર ફીમાં વધારો કરી દીધો છે. મન ફાવે તેમ ફી વસૂલીને વાલીઓને ખીસ્સા ખાલી કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી ચેરમેન વિના કમિટી ઠપ્પ થઈ ગઈ છે.

ખાનગી શાળાઓ ફી નિયંત્રણ વિના ધમધમી રહી છે

સૌરાષ્ટ્ર ઝોન ફી નિયમન કમિટીના ચેરમેન પદે નિવૃત્ત જજની નિમણૂક થાય છે. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી આ પદ પર કોઈ નિમણૂક કરાઈ નથી. સોરાષ્ટ્રના 11 જિલ્લાની પાંચ હજારથી વધુ ખાનગી શાળાઓ ફી નિયંત્રણ વિના ધમધમી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાનગી સ્કૂલોએ ચેરમેન નહીં હોવાથી બારોબાર ફીમાં મસમોટો વધારો કરી નાંખતા મોંઘવારીનો વધુ એક ભાર વાલીઓએ સહન કરવાનો આવ્યો છે.


  • Follow us on: