સુરતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જે મુજબ જ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું.


સુરતમાં ધોધમાર વરસાદ 

અપર સર્ક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. સુરતના મજુરા, અલથાણ, પાંડેસરા, ભીમરાડ, ખજોદ અને આભવા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ઉધના ઝોનમાં અડધો કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ઉધના બસ ડેપોની બહાર અને ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને નોકરી પર જતા લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી હતી.

પાણી ભરાવાને કારણે વાહનચાલકોને હાલાકી

આ વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસાની વિદાય પહેલા આવેલા આ વરસાદે ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક નવી ચિંતા ઊભી કરી છે, પરંતુ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા વિસ્તારો માટે તે થોડી રાહત પણ લઈને આવ્યો છે.

  • Follow us on: