ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ થતાં લોકોના ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વાહન ચાલકોની રોડ પર લાંબી લાઈનો જોવા મળી
સુરતમાં મજુરા, અઠવાલાઈન્સ, ખટોદરા, અલથાણા અને વેસુ સહિતના વિસ્તારોમાં આજે માવઠું થયું હતું. કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. વરસાદ થતાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. બીજી બાજુ શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મજુરા ગેટથી અઠવા ગેટ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. વાહન ચાલકોની રોડ પર લાંબી લાઈનો જોવા મળી હતી.













