સુરતમાં ચોમાસાની સિઝન વિદાય લેવાનું નામ લઈ રહી નથી. સતત ત્રીજા દિવસે પણ શહેરમાં ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું. લિંબાયતમાં ફક્ત 2 કલાકામાં 4.50 વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા. અનેક વિસ્તારો જળબંબાકાર થયા, તો વરસાદી પાણી ભરાતા રોડ-રસ્તાઓ પર વહેતી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા. શહેરમાં પીપલોદ, અઠવા, વરાછા, ડુમસ અને સિટીલાઈટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો.
ધોધમાર વરસાદથી લિંબાયતનગર પાણીમાં ગરકાવ
શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને બફારામાંથી મુક્તિ મળી. વરસાદથી ઠંડક થઈ તો બીજી બાજુ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા. અનેક વાહનો પાણી માં ડૂબ્યા તો કેટલાક વાહનો બગડી ગયા. વરસાદ અને વાહનબંધ થતા ગરનાળા પાસે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ. વાહનચાલકો ભારે મહેનત બાદ ગરનાળું પસાર કરી રહ્યા છે. ભારે વરસાદમાં પણ લોકો બહાર નીકળી પોતાના રોજિંદા કામ પૂરા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધોધમાર વરસાદને પગલે કાર જેવા મોટા વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા.













