સુરતમાં અત્યારે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યુ છે. સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી બારેમેઘ ખાંગા થયા જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં 30 કલાકમાં જ 17 ઇંચ વરસાદ ખાબકતા આભફાટતા નદી નાળા છલકાયા અને અનેક વિસ્તારો જળબંબાકાર થયા. 23 જૂનના રોજ વરસાદ શરૂ થયો હતો જે 24 જૂન સુધ અવિરત અનારાધાર વરસાદ વરસતા ખાડી અને ડેમના જળસ્તરમાં વધારો થયો છે. શહેરમાં સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા.
વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન
બે દિવસ પહેલા સુરતમાં વરસાદની હેલી શરૂ થઈ છે. જિલ્લામાં પણ અવિરત વરસાદથી તાપી નદીનું લેવલ વધ્યું છે. જ્યારે સરથાણાની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસતા વરસાદના કારણે ઘરમા પાણી ઘૂસતા આખી રાત સોસાયટીના રહીશો ખડેપગે રહ્યા હતા. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા તેમની ઘરવખરીને મોટું નુકસાન થયું છે. આટલા દિવસથી અવિરત ચાલતા વરસાદ છતાં વિકાસની બાંગ પોકારતી સરકાર દ્વારા હજુ કોઈ મદદ મળી નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
ભારે વરસાદથી ખાડીમાં આવ્યું પૂર
સુરતમાં સાર્વત્રિક મેઘ મહેર. ઉપરવાસના વરસાદને કારણે ખાડીપૂર આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. લીંબાયતની મીઠી ખાડી ઓવર ફ્લો થઈ. પુણા - ગોડાદરા રોડ પર હજુ સુધી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના વાંકે ખાડીના પૂરની સમસ્યા સર્જાઈ. આજે પણ ઓલપાડમાં સવારથી મુશળધાર વરસાદ જોવા મળ્યો. ઓલપાડમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદની આગમનથી ખેડૂતો ખુશ થયા હતા જો કે મુશળધાર વરસાદના કારણે હવે ખેડૂતોને ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે.
વરસાદી આફત સામે તંત્રની બાજનજર
જિલ્લામાં ભારે વરસાદને લઈને સુરત પોલીસ કમિશ્નર ઓફિસમાં કાર્યરત CCTV કંટ્રોલમાં એક સ્પેશિયલ ટીમ બનાવામાં આવી હોવાનું અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી. તેમણે વધુમાં કહ્યું કે અમે CCTV કેમેરાથી શહેરમાં નઝર રાખી રહ્યા છીએ. જે વિસ્તારોમાં પાણી ભરાયા હશે ત્યાં જતા લોકોને સાવચેત કરવામાં આવશે. તે સાથે લોકોને સુરક્ષિત વાહનો ચલાવી શકે એ માટે સતત અપડેટ આપવામાં આવશે. પોલીસ દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ ચાલુ છે. ટેક્નોલોજીના માધ્યમથી અમે વરસાદી આફતની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અસરગ્રસ્તોને તમામ સહાય કરવામાં આવશે.