હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે તાપી જિલ્લાના વાતાવરણમાં એકાએક મોટો પલટો જોવા મળ્યો હતો. આજે સાંજના સમયે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદના કારણે જિલ્લાના મુખ્ય શહેરો અને તાલુકાઓ જેવા કે વ્યારા, વાલોડ, ડોલવણ અને બાજીપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.


વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદ

વ્યારા શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું હતું. પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક વરસાદ વરસવાના કારણે બહાર નીકળેલા લોકોએ ભીંજાવાથી બચવા માટે છત્રીનો સહારો લેવો પડ્યો હતો. જોકે એક તરફ આ વરસાદને કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને થોડી ઠંડક અને રાહત મળી હતી. પરંતુ બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

સાંજના સમયે શરૂ થયો કમોસમી વરસાદ

તૈયાર પાકને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તાપી જિલ્લો કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી કપાસ, ડાંગર કે અન્ય મોસમી પાકોને નુકસાન થવાની સંભાવના રહેલી છે. વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. જિલ્લામાં હજુ પણ વાતાવરણ વરસાદી રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: