ગુજરાતમાં ચોમાસુ સિઝનની સારી શરૂઆત થઈ છે. ચોમાસાના પ્રારંભે જ રાજ્યભરમાં નદીઓ અને ડેમોના જળસ્તરમાં વધારો થઈ ગયો છે. વરસાદના આગમન સાથે વડોદરા અને સુરતમાં રોગચાળો વકર્યો છે. વડોદરામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. અને શહેરમાં ચોમાસાના પ્રારંભે જ ડેન્ગયુ, તાવ, મેલેરિયા સહિતના દર્દીઓ વધ્યા છે.
વરસાદના આગમન સાથે બીમારીનું જોર
વરસાદની સાથે બીમારીઓ પણ આવે છે. વડોદરામાં છેલ્લા 24 કલાકની અંદર તાવના 571 કેસ નોંધાયા. જ્યારે ઝાડા ઉલ્ટીના 51 અને શંકાસ્પદ ડેન્ગ્યુના 128 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગ એવા મેલેરિયાના પણ શંકાસ્પદ 1139 નોંધાયા. અને દૂષિત પાણીના કારણે થતા ટાઈફોડના 41 કેસ શહેરમાં નોંધાયા. તેમજ એક સમયે વધુ ગંભીર મનાતા ડેન્ગ્યુના શંકાસ્પદ 128 કેસ નોંધાયા. વડોદરા ઉપરાંત સુરતમાં પણ વરસાદ વચ્ચે બીમારીનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં સામાન્ય તાવ-ઉલ્ટીની બિમારીમાં ડીંડોલીમાં 7 વર્ષીય બાળકીનું મોત અને મોટા વરાછામાં 4 વર્ષીય બાળકીનું મોત થયાની ઘટના સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
રોગચાળાને લઈને તંત્રનું સૂચન
ચોમાસાના આરંભે જ રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી. જે અંતગર્ત ઘરમાં સ્વચ્છતા અને આસપાસના વિસ્તારોમાં પણ સફાઈ બાબતે પુરતું ધ્યાન આપવામાં આવે. ઘરમાં રાખવામાં આવતા પાણીને દરરોજ બદલવામાં આવે. ઘરનો નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં સમયસર યોગ્ય નિકાલ કરો. જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ. આ ઉપરાંત બહારના લારી પરના ખુલ્લા ખોરાક ના ખાવા સૂચન કર્યું છે. તેમજ મચ્છરજન્ય રોગથી બચવા રાત્રે સૂવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.