વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને મોડી સાંજે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અણધાર્યા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિનોર તાલુકાના અવાખલ, માલસર અને દામાપુરા સહિત આસપાસના અનેક ગ્રામ્ય પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી હતી.


અવાખલ, માલસર, દામાપુરામાં વરસાદ

ભારે વરસાદના કારણે અવાખલ ગામના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમયથી પ્રવર્તી રહેલા ઉકળાટ અને ગરમીથી કંટાળેલા લોકોને આ વરસાદને કારણે થોડી રાહત મળી હતી. જોકે આ વરસાદે ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવાની ભીતિ ઊભી કરી છે. શિનોર પંથકમાં હાલમાં જે પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના આરે છે. તેને પલળી જવાથી ગુણવત્તા બગડવાની શક્યતા છે.

અવાખલ ગામે રસ્તા પર પાણી વહેતા થયા

સ્થાનિક ખેડૂતોએ વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને પોતાના પાકને બચાવવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: