વડોદરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, ગામના પ્રવેશ માર્ગે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઢાઢર નદીમાં પૂરની સ્થતિનું નિર્માણ થયું છે, કરજણ પાદરા માર્ગ ઉપર ઢાઢર નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે, બ્રિજની વચ્ચેથી પાણી વહી રહ્યાં છે. ગામના પ્રવેશદ્વાર પર પણ પાણી ફરી વળ્યા છે.


ગુજરાતમાં 546 રસ્તાઓ હાલમાં બંધ છે

રાજ્યમાં સતત સાર્વત્રિક વરસાદને કારણે અત્યારે કુલ 546 રસ્તા બંધ હાલતમાં છે અને અનેક રસ્તા તૂટી ગયાં છે. મોટામોટા ગાબડાં પડી ગયા છે. આમાં સાબરકાંઠા અને છોટાઉદેપુરના એક-એક નેશનલ હાઈવે, વડોદરા અને મોરબી જિલ્લાઓના બબ્બે તથા ખેડા-ભરૂચ-મહીસાગર-સુરેન્દ્રનગર જિલ્લાઓના એક-એક મળીને કુલ 8 સ્ટેટ હાઈવે, પંચાયતના પ૨૬ માર્ગો તથા અન્ય ૧૦ રસ્તા સામેલ છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર નજીક કુડા-માનગઢનો ઢાળવાળો ૫૦૦ મીટરનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.

મહીસાગર જિલ્લામાં કુડા-માનગઢ રસ્તો ધોવાયો

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લાઓના રસ્તા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે, જ્યાં અનુક્રમે ૨૦૬ તથા ૫૩ રસ્તા અત્યારે બંધ છે. જયારે સુરત જિલ્લામાં 41, દાહોદના 30, મહીસાગરના 39, પોરબંદરના 24, વડોદરાના 21 છોટાઉદેપુરના 16, ભરૂચના 15 તથા તાપી જિલ્લાના 23 રસ્તા બંધ છે. તંત્રનો દાવો છે કે અમદાવાદ જિલ્લામાં એક માત્ર પંચાયતનો રસ્તો અત્યારે બંધ હાલતમાં છે. રસ્તા બંધ થવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેઓને ફરી ફરીને જવાનો વારો આવ્યો હતો.

જાંબુઆ બ્રિજ પાસે પાણીમાં ટ્રેલર ફસાયું, બે લોકોનું રેસ્કયૂ

જાંબુઆના નવા બ્રિજ પર પાણી ફરી વળતા રવિવારે સવારે ટેન્કર ફસાઇ જતા અડધુ ડૂબી ગયું હતું. જેથી ડ્રાઇવર સુરેશકુમાર અને જોગીન્દરભાઇ ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડે બોટની મદદથી બન્નેનુ રેસ્કયૂ કર્યું હતું. શનિવારે રાત્રે આજ સ્થળ નજીક એક કાર ફસાઇ હતી. જો કે તેમાં કોઈ ફસાયું ન હતું.


  • Follow us on: