વડોદરામાં આજે સવારે આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. સતત ભારે વરસાદના કારણે આજે સવારે પાણી છોડાતા વિશ્વામિત્રીનું સ્તર 18 ફૂટે પહોંચી ગઇ છે.
વડોદરાવાસીઓને ટેંશન
વિશ્વામિત્રીએ ફરી એક વાર વડોદરાવાસીઓનું ટેંશન વધાર્યું છે. વિશ્વામિત્રીનું જળસ્તર જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ નદીકાંઠાના વિસ્તારોમાં પાણી પ્રવેશવાનું શરુ થઇ ગયું છે. નદીને અડીને આવેલા કોટેશ્વર ગામમાં પાણી ઘુસી રહ્યા છે.
વિશ્વામિત્રીનું સ્તર 20 ફૂટે પહોંચી શકે તેમ છે
તંત્રએ નદીકાંઠાના લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સુચના આપી છે. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું કે નદીનું જળસ્તર મેઇન્ટેન કરવા માટે પાણી છોડાઇ રહ્યું છે જેથી વિશ્વામિત્રીનું સ્તર 20 ફૂટે પહોંચી શકે તેમ છે. જો ભારે વરસાદ પડશે તો જ આજવા સરોવરના દરવાજા બંધ કરાશે તે સિવાય દરવાજા ખુલ્લા રહેશે.
સપ્ટેમ્બર માસમાં આજવા સરોવરનું જળસ્તર 212.50 મેઇન્ટેઇન કરવાનું હોય
આમ તો નિયમો મુજબ સપ્ટેમ્બર માસમાં આજવા સરોવરનું જળસ્તર 212.50 મેઇન્ટેઇન કરવાનું હોય છે પણ અત્યારે આજવા સરોવરની સપાટી 213.7 છે જેથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જો વધુ વરસાદ પડશે તો જ આજવા સરોવરના દરવાજા બંધ થશે
લોકોની સાથે સાથે કોર્પોરેશન તંત્રની પણ અગ્નિપરિક્ષા
ઉલ્લેખનિય છે કે ગયા ચોમાસામાં વિશ્વામિત્રીમાં ત્રણ વખત ભારે પૂર આવ્યું હતું જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને લોકોને કરોડો રુપિયાનું નુકશાન પણ થયું હતું. તેને ધ્યાનમાં રાખીને સરકાર અને કોર્પોરેશને વિસ્વામિત્રી પ્રોજેક્ટ શરુ કર્યો હતો અને તે અંતર્ગત નદીને પહોળીને ઉંડી કરાઇ હતી પણ જે રીતે વિશ્વામિત્રીમાં સતત પાણી છોડાઇ રહ્યું છે તે જોતા લોકોની સાથે સાથે કોર્પોરેશન તંત્રની પણ અગ્નિપરિક્ષા છે.