વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આજે એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના બની છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડવાથી એક આધેડ મહિલાનું મોત નિપજ્યું છે. જેને કારણે પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે આ મહિલા પોતાના પશુઓ ચરાવવા માટે સીમમાં ગઈ હતી. વાઘોડિયા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.
સીમમાં પશુ ચરાવવા ગયેલી મહિલા પર વીજળી પડી
આ જ સમયે અચાનક ભારે કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાથી આધેડ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.













