વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા જે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમણે વાઘોડિયાની રણછોડધામ સોસાયટીમાં આવેલા પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.


પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી 

આ ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રકાશભાઈએ કયા કારણોસર આટલું ગંભીર પગલું ભર્યું તે અંગે પોલીસ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી શકી નથી.

મૃતક પોલીસકર્મીઓના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ

પોલીસ દ્વારા તેમના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી આપઘાત પાછળનું કારણ જાણી શકાય. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું તેમને કોઈ નોકરી સંબંધિત કે અંગત જીવનની કોઈ સમસ્યા હતી કે કેમ. આ ઘટનાએ પોલીસ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમના કામના દબાણ અંગે ગંભીર ચિંતા ઉભી કરી હતી.


  • Follow us on: