વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે જિલ્લાની તમામ મુખ્ય નદીઓ ઓરંગા, પાર, કોલક અને દમણગંગામાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓની જળસપાટી ભયજનક સપાટી વટાવી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સલામતીના ભાગરૂપે અને લોકોને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લાના 144 રસ્તાઓ બંધ કરાયા
પૂરની પરિસ્થિતિને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના કુલ 144 રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અથવા તો તેના પર વાહનવ્યવહાર જોખમી બની ગયો છે. સૌથી વધુ અસર કપરાડા અને ધરમપુર તાલુકામાં જોવા મળી છે, જ્યાં અનુક્રમે 50 અને 39 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પારડીના 16, વલસાડના 26, વાપીના 9 અને ઉમરગામનો 1 રસ્તો પણ બંધ કરાયો છે. આ પગલાને કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.













