રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન વલસાડ અને ડાંગ જિલ્લામાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેતરમાં તૈયાર થયેલો પાક ધોવાઈ જવાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને તાત્કાલિક પાક નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવવા રજૂઆત
વલસાડના સાંસદ ધવલ પટેલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને એક પત્ર લખીને ખેડૂતોને માવઠાને કારણે થયેલા પાકની નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવા રજૂઆત કરી છે. તેમણે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનના કારણે વલસાડ લોકસભા વિસ્તાર હેઠળના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો હતો.આ અસમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર થયેલ પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ વિસ્તારના મહત્તમ આદિવાસી ખેડૂતોનું મુખ્ય આજીવિકા સ્ત્રોત ડાંગરનો પાક હોવાથી,આ નુકસાનથી તેઓ આર્થિક સંકટમાં છે.













