સુરત જિલ્લામાં મેઘરાજાના મન મૂકીને વરસી રહેલા વરસાદે સમગ્ર જનજીવનને પ્રભાવિત કર્યું છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.ખાસ કરીને ઓલપાડ, કુરસદ અને જીઆઈડીસી વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કામરેજ વિસ્તારના નવાગામ-પાસોદરા રોડ અને સરલ હાઇટ્સ જેવા રહેણાંક વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે
વરસાદની પ્રથમ મોટી બેટિંગ સાથે જ સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાથી સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વરસાદ પૂર્વે કરવામાં આવતા દાવાઓ માત્ર કાગળ પર જ રહી જાય છે, જેના કારણે દર વર્ષે જ સામાન્ય વરસાદમાં પણ લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે.













