હળવદ તાલુકાના ચરાડવા ગામે વર્ષોથી ભૂગર્ભ ગટરની કોઈ સુવિધા નથી. જેથી સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલાયો નથી, જેથી આજે કલેક્ટર કચેરી ખાતે ચરાડવા ગામના લોકો 'ગટર નહીં તો મત નહીં' ના સૂત્રોચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


ગામમાં 15,000ની છે વસ્તી

મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર સ્વચ્છતા ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાર મૂકીને ઘર ઘર શૌચાલય સહિતની યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામે ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચરાડવા ગામની વાત કરીએ તો આ ગામમાં આજની તારીખે 15,000ની વસ્તી છે અને હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ છે. જો કે વર્ષોથી આ ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી નથી.

250થી વધુ લોકો આગેવાનોને સાથે રાખીને મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા

એવું નથી કે આ ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા જોઈતી નથી, પરંતુ ધારાસભ્ય, સાંસદ, અધિકારી અને સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે તો પણ ગામના લોકોને રજૂઆતને ધ્યાને લઈને ગામના લોકોના પ્રશ્ન ઉકેલાય તેના માટેની કોઈ કામગીરી કોઈએ કરેલી નથી. એટલે જ તો આજે 21મી સદીમાં ચરાડવા ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા મળે તેના માટે જન આંદોલન કરવું પડ્યું છે. ચરાડવા ગામેથી મહિલાઓ સહિતના અંદાજે 250થી વધુ લોકો આગેવાનોને સાથે રાખીને મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને 'ગટર નહીં તો મત નહીં'ના સૂત્રોચાર પણ કર્યા હતા.

  • Follow us on: