મોરબીના જેતપર ગામમાં ખેડૂતોના હક્ક અને ન્યાય માટે શરૂ થયેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો શનિવારે ત્રીજો દિવસ છે. પોતાના ખેતરોમાંથી પસાર થતા વીજપોલના યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ આંદોલન દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યું છે, જેમાં હવે પુરૂષોની સાથે મહિલાઓ પણ ખભેખભા મિલાવીને મેદાનમાં ઉતરી આવી છે.


6 પુરૂષો અને 3 મહિલાઓ સહિત 9 અન્નનો ત્યાગ કરીને બેઠા

જેતપરમાં ચાલી રહેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં 6 પુરૂષો અને 3 મહિલાઓ સહિત કુલ 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પ્રતીક ઉપવાસમાં જોડાઈને આ લડતને સમર્થન આપી રહ્યા છે. ખેડૂતોની આ આક્રમકતા જોતા આગામી દિવસોમાં આ આંદોલન મોરબી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર રાજ્યવ્યાપી બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

હવે મહિલાઓ સ્કૂટર લઈને ગાંધીનગર કૂચ કરશે

આંદોલન પર બેઠેલા ખેડૂત અગ્રણી નિલેશ એરવડીયાના પત્નીએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા, પરંતુ જો હવે અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો ગામની મહિલાઓ ટુ-વ્હીલર લઈને ગાંધીનગર કૂચ કરશે. આ હાકલને પગલે ત્યાં ઉપસ્થિત મોટી સંખ્યામાં મહિલાઓએ પણ એકસૂરે ‘હા, અમે ગાંધીનગર જઈશું’ કહીને આંદોલનને વેગ આપ્યો છે. વળતરના મુદ્દે ખેડૂતો અને તંત્ર સામસામે આવી જતાં આગામી દિવસોમાં આ વિવાદ વધુ વણસે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


આ પણ વાંચો - Morbi: જેતપરમાં કંપનીની દાદાગીરી સામે 15 ખેડૂતોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ, 9 ખેડૂતોના આમરણ ઉપવાસ યથાવત


  • Follow us on: