મોરબીના જેતપર ગામે પોતાની પડતર માંગણીઓને લઈને ખેડૂતોએ વીજ કંપની સામે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડ્યું છે. જેતપરમાં ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ખેડૂતો પોતાની ન્યાયિક માંગણીઓ માટે મક્કમ બન્યા છે, જેમાં 6 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, જ્યારે 426 જેટલા ખેડૂતોએ એકસાથે પ્રતીક ઉપવાસ પર બેસીને વીજ કંપની અને પ્રશાસન સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોનું સમર્થન
આ આંદોલન હવે માત્ર મોરબી પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેને રાજ્યવ્યાપી સમર્થન મળી રહ્યું છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે અને આ લડતને પોતાનું જાહેર સમર્થન આપી રહ્યા છે.
કાયદા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે
આંદોલનકારી ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, વીજ કંપની દ્વારા માત્ર પરિપત્રના આધારે નહીં, પરંતુ કાયદા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ખેડૂતોને મળવાપાત્ર સંપૂર્ણ પેમેન્ટ એકસાથે અને એડવાન્સમાં ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની સ્પષ્ટ અને અડગ માંગ છે.
વીજ કંપનીની કોઈ પણ પ્રકારની કામગીરી થવા દેશે નહીં
ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની આ બંને મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વીજ કંપનીની કોઈ પણ પ્રકારની કામગીરી થવા દેશે નહીં. આ આંદોલન દરમિયાન ખેડૂતોની અનોખી ગાંધીગીરી પણ જોવા મળી રહી છે. જેતપર ખાતે ઉપવાસ છાવણીમાં રાત્રિના સમયે ભજન ડાયરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો અને ખેડૂતો હાજરી આપીને એકતાનું પ્રદર્શન કરી રહ્યા છે. વહીવટી તંત્ર આ મામલે વહેલી તકે મધ્યસ્થી કરીને ઉકેલ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની સનસનાટીભરી લૂંટ