મોરબી જિલ્લાના જેતપર ખાતે આજે પોતાની પડતર અને ન્યાયિક માંગણીઓને લઈને ખેડૂતોએ સરકારી તંત્ર અને પાવર કંપનીઓ સામે મોરચો માંડ્યો છે. પોતાની કિંમતી ખેતીલાયક જમીનોમાં ઊભા કરાઈ રહેલા હાઈટેન્શન વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા છે. યોગ્ય વળતર ન મળતા આજથી જેતપર મધ્યે ખેડૂતોએ ઉગ્ર ઉપવાસ આંદોલનનો શંખનાદ કર્યો છે. આ આંદોલનને મોરબી પંથકના 35થી વધુ ગામોના ખેડૂતોનું વ્યાપક અને મક્કમ સમર્થન પ્રાપ્ત થયું છે.


આંદોલન બિનરાજકીય જાહેર કરવામાં આવ્યું

આ આંદોલનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને સંપૂર્ણપણે 'બિનરાજકીય' જાહેર કરવામાં આવ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટ ચિહ્નિત કર્યું છે કે આ તેમની આજીવિકા અને જમીનનો હક મેળવવાની લડત છે, જેથી કોઈ પણ પક્ષના રાજકીય આગેવાનોને આ મંચ પર પ્રવેશ આપવામાં આવશે નહીં.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને બજારભાવ મુજબ વળતર

ધરતીપુત્રોની મુખ્ય માંગ છે કે કેન્દ્ર સરકારની અધિકૃત માર્ગદર્શિકા મુજબ જમીનનું વ્યાજબી વળતર ચૂકવવામાં આવે. વળતર નક્કી કરવાની આખી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને સમાન ન્યાય હોવો જોઈએ. લાઇનથી પ્રભાવિત થતી જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જતી હોવાથી તેના માટે અલગથી વળતર અપાય અને જે જમીનમાં પાક ઉભો હતો અને કામગીરી દરમિયાન તેને ભારે નુકસાન થયું છે, તેનું તાત્કાલિક ચૂકવણું કરવામાં આવે.

ગેરકાયદેસર કામગીરી ન થવી જોઈએ

ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ખેડૂતની લેખિત મંજૂરી વગર તેમની જમીન પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કામગીરી ન થવી જોઈએ. જમીન સંપાદનની પ્રક્રિયામાં હાલના બજારભાવ ને ધ્યાનમાં રાખીને વ્યાજબી ચૂકવણું કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. જ્યાં સુધી ઉચ્ચ સ્તરેથી વળતર અંગે કોઈ નક્કર અને સંતોષકારક નિર્ણય નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.  


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: