મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જીઆઈડીસી પાસેનું ચાર માળનું મિડવે એમ્પાયર બિલ્ડીંગ સીલ મારી દેવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાંથી નિયમ વિરૂદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી મહાપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ બિલ્ડીંગને તંત્ર દ્વારા 2 વખત નોટિસ પણ ફટકારવામાં આવી છે.
દુકાનદારો બહાર નીકળવા તૈયાર ન હોય પોલીસને પણ બોલાવવામાં આવી
જણાવી દઈએ કે મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઈડીસી પાસે આવેલા મિડવે એમ્પાયર બિલ્ડીંગ આવેલું છે, આ 4 માળના બિલ્ડિંગમાં અંદાજે 175 જેટલી ઓફિસો અને દુકાનો આવેલી છે. આ આખું બિલ્ડીંગ આજે મહાપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. આ વેળાએ દુકાનદારો બહાર નીકળવા તૈયાર ન હોય પોલીસને પણ બોલાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ દ્વારા ડ્રેનેજનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હતો. કન્યા છાત્રાલય તથા શનાળા રોડ ઉપર પાણીનો નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી. જેથી અગાઉ આ બિલ્ડીંગને 2 નોટિસો આપવામાં આવી હતી. આજ રોજ આ બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યું છે.













