મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાં નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે શરૂ થયેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન હવે 9મા દિવસે એક અત્યંત ગંભીર અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. ખેડૂતોની ન્યાયિક લડતને મજબૂત કરવા માટે હવે આદરણા ગ્રામ પંચાયતે પણ મોરચો સંભાળ્યો છે. પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના તમામ સભ્યોએ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે


 લેખિતમાં સત્તાવાર નિર્ણય આપવાની માંગ પર મક્કમતા 

છેલ્લા નવ દિવસથી અડગ રહીને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની એકતા સામે વહીવટી તંત્રના પાયા હચમચી ગયા છે. અત્યાર સુધીમાં સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ચારથી વધુ વખત વાર્તાલાપ માટે દોડી આવ્યા છે, પરંતુ ખેડૂતોએ મૌખિક આશ્વાસનો નકારીને માત્ર લેખિતમાં સત્તાવાર નિર્ણય આપવાની માંગ પર મક્કમતા દર્શાવી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વળતરનો ઉકેલ તમામ પ્રભાવિત ખેડૂતોના હિતમાં જ હોવો જોઈએ.

મહિલાઓની એક્ટિવા કૂચ અને નાટક દ્વારા આક્રોશ

આ આંદોલનને વેગ આપવા માટે ગત રાત્રિએ 'અદાણીના અત્યાચાર અને ખેડૂતોની દુર્દશા' વિષય પર એક વિશેષ જનજાગૃતિ નાટક ભજવવામાં આવ્યું હતું, જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી. આ લડતને હવે રાજ્યભરમાંથી વિવિધ ખેડૂત સંગઠનોનું પીઠબળ મળી રહ્યું છે.

 મહિલાઓ મોટી સંખ્યામાં પોતાના એક્ટિવા લઇ ગાંધીનગર જશે

આંદોલનકારીઓએ રણનીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે જો આગામી 48 કલાકમાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક લેખિત નિર્ણય લેવામાં નહીં આવે, તો આદરણા પંચાયતના તમામ પ્રતિનિધિઓ રાજીનામા આપશે અને બીજા તબક્કામાં ખેડૂત મહિલાઓ મોટી સંખ્યામાં પોતાના એક્ટિવા સ્કૂટર લઈને ગાંધીનગર વિધાનસભા કૂચ કરવા માટે રવાના થશે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર

  • Follow us on: