મોરબીના જેતપર ખાતે ખેડૂતો દ્વારા વીજપોલના વળતરના મુદ્દે શરૂ કરવામાં આવેલું આમરણાંત ઉપવાસ આંદોલન આજે છઠ્ઠા દિવસે અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યું છે. પોતાની ન્યાયી માંગણીઓ માટે લડત આપી રહેલા ખેડૂતો પૈકી 3 વ્યક્તિઓની તબિયત અચાનક લથડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉપવાસ પર બેઠેલા નિર્મળાબેન અઘારા, દક્ષાબેન અમૃતિયા અને નિલેશભાઈ એરવાડીયાની તબિયત વધુ લથડતાં ગત મોડી સાંજે તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


 ગામોગામથી જબરદસ્ત જનસમર્થન 

છેલ્લા છ દિવસથી શરૂ થયેલું આ આંદોલન હવે સ્થાનિક કક્ષાએથી ઉપર ઉઠીને રાજ્યવ્યાપી બની ગયું છે. ખેડૂતોની આ એકજુટ લડતને ગામોગામથી જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. જેતપરના આ ખેડૂત આંદોલનને વિવિધ ગામના સરપંચોએ પણ પોતાના લેટર પેડ પર લેખિત સમર્થન આપીને આ લડતને એક ‘બિનરાજકીય આંદોલન’ ગણાવ્યું છે. ખેડૂતોનો મુખ્ય આક્રોશ વીજપોલના વળતર બાબતે છે, જ્યાં તેમને યોગ્ય વળતર મળતું ન હોવાની ફરિયાદ છે.

યોગ્ય વળતરની લેખિત ખાતરીની માગ

આંદોલનકારી ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી સરકાર કે સંબંધિત તંત્ર યોગ્ય વળતરની લેખિત ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ લડત યથાવત રહેશે. હોસ્પિટલ ખસેડાયેલા ઉપવાસીઓની તબિયતને લઈને તેમના પરિવારજનો અને આંદોલનકારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

ખેડૂતોનો મક્કમ ઇરાદો 

જોકે, આ ઘટના બાદ પણ ખેડૂતોનો મક્કમ ઇરાદો જોવા મળી રહ્યો છે. સરપંચો અને સ્થાનિક આગેવાનો પણ હવે આ લડતમાં જોડાતા, આંદોલન આગામી દિવસોમાં વધુ વેગવંતું બને તેવી પૂરેપૂરી સંભાવના છે. હવે સૌની નજર વહીવટી તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી


  • Follow us on: