મોરબીના હળવદ તાલુકાના ટીકર ગામે યોજાયેલી ગ્રામસભામાં ફરી એકવાર ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગામના વિવિધ પ્રાથમિક પ્રશ્નો અને વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓને લઈને ગ્રામજનોએ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓનો ઊધડો લીધો હતો. લગભગ 10,000ની વસ્તી ધરાવતા ટીકર ગામના લોકો રસ્તા, પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓના અભાવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


વિવિધ સમસ્યાઓને લઇ ગ્રામજનોનો હોબાળો

આ સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં સખત રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામસભા શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ તલાટી, સરપંચ સહિતના સ્થાનિક પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓને ઘેરી લીધા હતા અને તેમના પર કામગીરી ન કરવા બદલ આકરા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. નોંધનીય છે કે આ પહેલાં 2 ઓક્ટોબરના રોજ યોજાયેલી ગ્રામસભામાં પણ સમાન મુદ્દાઓને લઈને હોબાળો થયો હતો.

ગ્રામજનો તાલુકા પંચાયતના અધિકારીઓ પર ભડક્યા

જેના પગલે તે સભા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જોકે સમસ્યાઓનું નિરાકરણ ન આવતા અધિકારીઓ ફરી ગ્રામસભામાં પહોંચતા જ ગ્રામજનોએ ફરીથી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો. ગ્રામજનોની માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે ગામના રસ્તાઓનું સમારકામ કરે અને પીવાના પાણીની કાયમી સમસ્યાનો ઉકેલ લાવે. હોબાળાને કારણે ગ્રામસભામાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.


  • Follow us on: