હળવદના રણકાંઠાના પટ્ટામાં આવેલા માનગઢ ગામમાં નવરાત્રિ દરમિયાન એક અનોખી અને વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. આ ગામમાં, માતાજીના ચોકમાં ઠાકોર સમાજનો એક પુરુષ મહિલાના વેશમાં સજીધજીને, માતાજીનો ગરબો શીરે રાખીને પરંપરાગત રીતે ગરબે રમે છે. આ પ્રથા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે, જેમાં છેલ્લી ત્રણ પેઢીથી ઠાકોર સમાજનો એક પરિવાર આ રિવાજ નિભાવી રહ્યો છે. આ પરંપરા પાછળનું કારણ એ છે કે, આ પરિવારે ત્રણ પેઢી અગાઉ માનેલી માનતા માતાજીએ પૂરી કરી હતી, જેને લઈને આઠમના દિવસે પુરુષ સ્ત્રી વેશભૂષામાં ગરબે રમી માતાજીનો આભાર માને છે.
DJ અને હિન્દી ગીતો પર પ્રતિબંધ
માનગઢ ગામની નવરાત્રિનું એક વિશિષ્ટ પાસું એ પણ છે કે, અહીંના ગ્રામજનોએ પ્રાચીન ગરબાઓને જીવંત રાખવા માટે સખત નિયમોનું પાલન કર્યું છે. ગામના ચોકમાં ગરબા દરમિયાન હિન્દી ગીતો, DJ કે અન્ય આધુનિક સંગીતનાં સાધનો પર સખત પ્રતિબંધ છે. અહીં ફક્ત માતાજીની આરાધના અને સ્તુતિરૂપી ગરબા જ ગાઈને નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરાગત માહોલમાં ભૂવાઓ પણ જોડાય છે અને માતાજીને જીલાવે છે. આશરે 2500ની વસ્તી ધરાવતું આ ગામ, જ્યાં મુખ્યત્વે ખેતી અને મીઠું પકવવાનો વ્યવસાય થાય છે, તે ભેદભાવ વગર ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.













