નડિયાદમાં મનપાની ટીમ પર કરાયો હુમલો. રોડ પરના દબાણ દૂર કરવા જતા જ મનપાની ટીમ પર લારીધારકોએ હુમલો કર્યો. સમગ્ર મારામારીની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. લારીઓવાળાઓએ દબાણર્મીઓ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. નડિઆદ ટાઉન પોલીસ મથકે 3 વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. આ ઘટનાને લઈને ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે.
મારામારીની ઘટના CCTVમાં કેદ
જિલ્લાના ફાયર ઓફિસર દિક્ષીત પટેલે કહ્યું કે દબાણ ટીમ પર હુમલાની ઘટના સંતરામ રોડ પર બનવા પામી છે. સંતરામ રોડ એ જિલ્લાનો વ્યસ્ત જાહેર માર્ગ છે. સંતરામ રોડ એ નડિયાદનું હાર્દ છે અને આ સ્થાન પર લોકોની ભારે ભીડ રહે છે. એટલે જ આ બાબતે કોર્પોરેશનના દ્વારા મોનિટરિંગ રાખવામાં આવતું હોય છે. રોડ પર અકસ્માતનું જોખમ નિવારવા છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્થાન પરથી દબાણ દૂર કરાયા હતા. પરંતુ આજે કેટલાક લોકો પોતાની લારીઓ લઈને ત્યાં પહોંચ્યા હતા.
ઉગ્ર બોલાચાલી બાદ દબાણ કર્મીઓ પર હુમલો
દરમિયાન મનપાની દબાણ ટીમ દ્વારા તેમને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે કેટલાક લારી ધારકો દબાણ ટીમના કર્મચારીઓને વાત ના માનતા મનમાની કરવા લાગ્યા. લારી ધારકો અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ થતા ફાયર વિભાગના કર્મી રાકેશ શર્મા કે જેઓ દબાણનો ચાર્જ સંભાળે છે તે ત્યાં પહોંચ્યા. તેમની સાથે પણ લારી ધારકો ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા. મામલો વધુ ગરમાયો અને લારીધારકોએ દબાણ ટીમ પર હુમલો કર્યો. જો કે સમગ્ર ઘટના બની તે સમયે મનપા કમિશનર કે પોલીસને શા માટે જાણ ન કરાય તે એક સૌથી મોટો સવાલ છે.
ફાયર ઓફિસરનું નિવેદન
ફાયર ઓફિસરે વધુમાં કહ્યું કે દબાણ કર્મીઓએ પોતાના સ્વબચાવમાં લારી ધારકો પર હુમલો કર્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરશે. દબાણનો ચાર્જ ફાયર વિભાગના કર્મચારી રાકેશ સંભાળે છે, અને તેની અંદર દબાણની ટીમ કામ કરી રહી છે. રાકેશ શર્મા લાલ જીપને લઈને ફરે છે તેના સવાલમાં કહ્યું કે જાહેરમાં લાલ કલરની જીપ લઈને ફરે છે જેમાં ફાયર લખેલુ છે. તે તેમની પ્રાઈવેટ જીપ છે, વિભાગ તરફથી કોઈ આવી જીપ આપવામાં આવી નથી.