આદિવાસી વિસ્તારોના બાળકો ભણી ગણીને સરકારી અને ખાનગી ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે ગોરા પ્રાથમિક શાળાના ‘નર્મદા રત્ન’ શિક્ષક શાંતિલાલ ભોઈ સતત કાર્ય કરી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સરદાર સરોવર નર્મદા યોજનાના પુન:વસવાટ અસરગ્રસ્તોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વર્ષ 1999માં ગોરા ખાતે સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી.
વિવિધ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી
આ વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-2025’થી સન્માનિત થનાર શિક્ષક શાંતિલાલ ભોઈએ જણાવ્યું કે,નર્મદા જિલ્લામાં જ્યારે શિક્ષક તરીકે મારી નિમણુંક થઇ હતી. ત્યારે શાળાને પોતાનું મકાન ન હોવાથી શિક્ષણપ્રેમી ગોવિંદભાઈ તડવીના મકાનના એક ખૂણામાં એક ખુરશી, ટેબલ, અલમારી અને કાળાપાટીયા સાથે પ્રાથમિક શાળા ધોરણ 1થી 4નું શિક્ષણકાર્ય સૌપ્રથમ માત્ર ચાર વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ શાળામાંથી અત્યાર સુધીમાં 250 થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી અને ખાનગી સહિત વિવિધ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે.
શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સુધીની સિદ્ધિઓ હાંસલ કરી
તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ નવી પહેલમાં વર્ષ-2018-19માં ચાલો બાળપણને વિકસાવીએ, વર્ષ 2019-20માં નવતર એક ઉપચાર અનેક, વર્ષ 2020-21માં શિક્ષા સેતુ, વર્ષ 2021-22માં ઓપન સ્માર્ટ ક્લાસ, વર્ષ 2022-23માં સ્કેનિંગ બાય લર્નિંગ, વર્ષ 2023-24માં એનિ ટાઈમ લર્ન, વર્ષ 2024-25માં મિશન C.E.T, વર્ષ 2025-26માં ટોટલ ફિઝીકલ રિસ્પોન્સ (T.P.R) શરૂ કરવામાં આવી હતી.જેની જિલ્લા અને રાજ્યકક્ષાએ નોંધ લેવાતા શાંતિલાલે શિક્ષક તરીકે નર્મદા રત્નથી શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સુધીની સિદ્ધિઓ હાંસલ કરી છે.
સૌથી વધુ QR કોડ બનાવાનો રેકોર્ડ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઓપન સ્માર્ટ ક્લાસ ઇનોવેટીવ પ્રોજેકટ દ્વારા ધોરણ 3થી 5 ના કૂલ 14 વિષયોના 210 જેટલા પાઠ્યક્રમોની 210 પીપીટી તૈયાર કરીને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પદ્ધતિથી આકર્ષક અને અસરકારક રીતે શિક્ષણકાર્ય શરૂ કરીને ખાનગી શાળાઓને પણ મફત ઓનલાઈન શિક્ષણનું સચોટ ઉદાહરણ આપ્યું હતું. દરેક એકમની પીપીટીના એકમવાર QR કોડ તૈયાર કરી માસવાર,ધોરણવાર મુજબ GCERTના સૂચવેલ અભ્યાસક્ર્મ પ્રમાણે ગોઠવીને જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના ઈનોવેશન Learning By Scanning દ્વારા તૈયાર થયેલ QR કોડને સૌથી વધુ QR કોડ બનાવાનો રેકોર્ડ INDIA BOOK OF RECORD અને WORLD RECORD OF EXCILENCE (IBR)માં સ્થાન મેળવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યની નોંધ લેવામાં આવી હતી.