જૂનાગઢના જૂના નાગરવાડા વિસ્તારમાં આવેલા પથુભાઈ વૈદ્યના નિવાસસ્થાને છેલ્લા 70 વર્ષથી બેઠા ગરબાનું આયોજન થાય છે. સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીના સાનિધ્યમાં યોજાતા આ ગરબાની પરંપરાગત શૈલીએ આધુનિક યુગમાં પણ પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. બેઠા ગરબાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ પણ આધુનિક વાદ્યો વગર, માત્ર ઢોલક, ઝાંઝ અને ટીંટીણીયુંના સહારે ગવાય છે.


પ્રાચીન ગરબા આજે પણ લોકોને પસંદ

અહીં ગવાતા ગરબામાં જૂના જાણીતા કવિઓ જેવા કે કલાપી, કવિ સુમંત, કવિ હિમાંશુ અને બાળ કલ્યાણના પદોનો સમાવેશ થાય છે. આ ગરબા પ્રાચીન રાગ-રાગિણી પ્રમાણે ગાવામાં આવે છે, જે શ્રોતાઓને ભક્તિના ઊંડા ભાવમાં લીન કરી દે છે. આ સ્થળે ચાર પેઢીથી લોકો ભાવપૂર્વક આ ગરબામાં ભાગ લે છે. ખાસ કરીને નવરાત્રિના ચાર દિવસ અને દર મહિને આવતી બંને ચૌદશના દિવસે રાત્રે 9 થી 11 વાગ્યા સુધી ગરબા ગવાય છે. આ ગરબા બેસીને ગવાય છે, તેથી તેમને "બેઠા ગરબા" કહેવામાં આવે છે. આ ગરબા રાસના સ્વરૂપમાં નહિ, પણ માત્ર માતાજીની ભક્તિ માટે ગવાતા હોવાથી, તેમાં બેસીને ગીતો ગાઈને ભક્તિ કરવામાં આવે છે. પ્રાચીન ગરબા આજે પણ લોકોની પસંદ બની રહ્યા છે.

બેઠા ગરબાને લઈને લોકવાયકા

એક લોકવાયકા મુજબ, નવાબી કાળમાં મહિલાઓને બહાર જઈને ગરબા ગાવાની કે રમવાની છૂટ નહોતી. તેથી, તેઓ એક જગ્યાએ ભેગા થઈને બેસીને ગરબા ગાતા હતા. આ પરંપરા આજે પણ અહીં જીવંત છે. અહીં ક્યારેક એક વ્યક્તિ ગરબા ગાય અને બીજા સાથ આપે, તો ક્યારેક બધા જ ભક્તો સાથે મળીને ગરબાની રજૂઆત કરે છે, જે માતાજી પ્રત્યેના અખંડ ભક્તિભાવને દર્શાવે છે. અર્વાચીન આયોજનો વચ્ચે પણ આજે બેઠા ઘરમાં અનેરૂ મહત્વ છે અને જૂનગઢની નાગર જ્ઞાતિ દ્વારા શરૂ કરાયેલા આ ગરબા આજે ભાવનગર રાજકોટ અમદાવાદ અલગ અલગ શહેરોમાં પહોંચી ગયા છે અને ત્યાં પણ હવે બેઠા દરબાના આયોજનનો થવા લાગ્યા છે.

  • Follow us on: