સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરનાર અનિરુદ્ધસિંહ જાડેજાને આજે મોડી રાત્રે રાજકોટ ગ્રામ્ય પોલીસે જૂનાગઢ જેલમાંથી કસ્ટડીમાં લીધા છે. તેમને કડક પોલીસ બંદોબસ્ત સાથે અમિત ખૂંટ હત્યા કેસમાં વધુ તપાસ માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો હુકમ હોવાથી આજે સાંજે 7 વાગીને 8 મિનિટે જૂનાગઢ જેલ ખાતે હાજરી આપી હતી.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહ રાજકોટ માટે રવાના
જૂનાગઢ જેલમાં તેમના ત્રણ કલાકના રોકાણ બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમને અમિત ખૂંટ હત્યા કેસના સંબંધમાં વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટ લઈ જવા માટે પહોંચી ગઈ હતી. રાત્રે 10 વાગીને 32 મિનિટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાંથી રાજકોટ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે પૂરતી સાવચેતી રાખી હતી.













