જૂનાગઢના ગામડાઓમાં દારુનો વેપાર ધમધમી રહ્યો છે. કેરીના વેચાણથી પ્રખ્યાત જૂનાગઢ હવે દારૂના વેચાણનો અડ્ડો બનવા લાગ્યું છે. જૂનાગઢ તાલુકામાં ભેંસાણ બાદ હાલમાં ભાટમાં દેશી દારુના ખુલ્લેઆમ વેચાણનો કિસ્સો સામે આવ્યો છે. ભાટના દેશી દારુના વેચાણ પર જાગૃત જનતાએ રેડ પાડી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને એટલે જ આવી ગેરકાયદાકીય પ્રવૃત્તિનો મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ પર્દાફાશ કર્યો.
ભાટમાં દેશી દારુના વેચાણ પર જનતા રેડ
5 દિવસ અગાઉ ભેંસાણમાં ખુલ્લેઆમ થતા દેશી દારૂના વેચાણનો પર્દાફાશ થયો હતો. ભેંસાણમાં પણ સ્થાનિક લોકોએ જાતે જનતા રેડ પાડી દેશી દારુનો મુદામાલ પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે હાલમાં ભાટ સિમરોલી ગામે દેશી દારૂનો કાળો કારોબાર થતો હતો. આ કાળા કારોબાર કરનારા તત્વોને જાગૃત સ્થાનિકોએ ઝડપી પાડ્યા. મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ જનતા રેડ કરી ખુલ્લેઆમ વેચાતા દેશી દારુના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. ગ્રામજનોની ફરિયાદ છે કે ઘણા સમયથી ગામમાં દેશી દારુનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ગામની જનતા અને નાના બાળકોના સ્વાસ્થય પર અસર થઈ રહી છે. આ મામલે પોલીસને વારંવાર ફરિયાદ કરી હતી કે ગામમાં દારૂ ઉપર પ્રતિબંધ લાવવામાં આવે.













