​જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને જ્યાં લીઝ નથી આપવામાં આવી તેવા વિસ્તારોમાં પણ ખનન થઈ રહ્યું છે. ખાસ કરીને જૂનાગઢના ચોરવાડ વિસ્તારમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનું જણાવ્યું છે.


ગેરકાયદે ખનન રોકવાને બદલે અધિકારીઓ મોટા હપ્તા લે છે

ગેરકાયદે ખનીજ ચોરીના કારણે ખાણમાં કામ કરતા ગરીબ મજૂરો મુશ્કેલીમાં મુકાય છે. તેમણે કહ્યું કે અધિકારીઓ મોટા માલિકોને પકડવાને બદલે નાના મજૂરોને પકડે છે. ખનીજ માફિયાઓ ડુપ્લીકેટ રોયલ્ટી બનાવીને મજૂરોને ફસાવે છે અને ગેરકાયદે ખનન રોકવાને બદલે અધિકારીઓ મોટા હપ્તા લે છે. ગેરકાયદે ખનનના કારણે ચોરવાડનો વિકાસ પણ અટકી ગયો છે. તેમણે માગ કરી છે કે જો ચોરવાડમાં કાયદેસર લીઝ આપવામાં આવે તો વિસ્તારનો વિકાસ થઈ શકે છે. આ ગેરકાયદે ખનનથી ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે. ખેતરોની આસપાસ ચાલતી ખાણોના કારણે પાકને નુકસાન થાય છે અને ખેડૂતો આ ખાણો બંધ કરવાની માગ કરી રહ્યા છે.

જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર ધમધમતી ખાણો

​ધારાસભ્યએ આ મુદ્દે ખનીજ કમિશનરને પણ રજૂઆત કરી હતી. જેના પગલે થોડા સમય માટે ખાણો બંધ થઈ જાય છે, પરંતુ ફરીથી ગેરકાયદે ખનન શરૂ થઈ જાય છે. તેમણે માગ કરી છે કે હાલમાં બંધ પડેલી ખનીજ ચોરીવાળી ખાણોની માપણી કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ અરજીથી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અને તેના પરિણામે ઉભી થયેલી સમસ્યાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે. ચોરવાડથી લઈને માધવપુર સુધી ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને તેને કારણે આજુબાજુના બગીચા ધારકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ આવવાનું ખેડૂતો જણાવી રહ્યા હતા. આમ, જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર ધમધમતી ખાણો અને રેતી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા માગણી કરવામાં આવી છે.

  • Follow us on: