જુનાગઢ જિલ્લાના ઓજત નદી પર આવતા ગામડાઓની હાલતની ખૂબ જ દયનીય બની છે. માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદ લેવી પડે છે. બાળકોને અભ્યાસ કરવા જવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.


અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરી

300થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે, આ ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઈમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે, છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલા પુલને રીપેર કરવા માટે અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

જીવના જોખમે વિદ્યાર્થીઓ નદીમાંથી પસાર થવા મજબૂર

ગામના તૂટેલા ફૂલને લઈને બીજો કોઈ વૈકલ્પિક રસ્તો તો છે પરંતુ 15 કિલોમીટર દૂર સુધી જવું પડે છે અને ત્યાંથી ગામમાં પરત આવું પડે છે, જે ખેડૂતોને કે અન્ય લોકોને પરવડતો નથી. કારણ કે પેટ્રોલના ખર્ચ પણ વધી જાય છે અને આવક જાવકનો સમય પણ ખૂબ જ વ્યય થાય છે, ત્યારે લોકો જીવના જોખમે નદી પરથી પસાર થઈ રહ્યા છે. 15 ફૂટ ઊંડી આ નદીમાંથી જીવના જોખમે વિદ્યાર્થીઓ તેમજ લોકો પસાર થઈને છેલ્લા ત્રણ વર્ષથી જીવન જીવી રહ્યા છે.

પુલ બનાવવામાં આવે તેવી માગ

ત્રણ વર્ષ પહેલા ધોધમાર વરસાદને કારણે ઓઝત નદીમાં આવેલા ઘોડાપૂર આવતા પાદરડી ગામનો પુલ ધોવાઈ ગયો હતો અને એક ખેતરથી બીજે ખેતર જવા માટે લોકોને મુશ્કેલી પડી હતી. રસ્તો રીપેર કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ માત્ર કાગળ ઉપર વાતો જ રહી ગઈ છે. લોકો પણ હવે રજૂઆત કરીને કંટાળી ગયા છે અને સરકાર પાસે એક જ માગણી કરી રહ્યા છે કે આ પુલ બની જાય, જેથી આ ગામના લોકોની પરિસ્થિતિ સુધરી જાય કારણ કે લોકોને અવરજવર માટે એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે.

  • Follow us on: