આગામી 22 સપ્ટેમ્બરથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. 9 દિવસ સુધી માતાજીની આરાધના થશે. ઠેર ઠેર ઘટસ્થાપન થશે અને રાત્રે ગરબાની રમઝટ જામશે. નવરાત્રિ આવે એટલે દાંડિયા રાસનો ઉલ્લેખ થાય છે. દાંડિયા લઈને યુવાધન રાસ રમે છે. ત્યારે રાસ રમવા માટે દાંડિયા બનાવતા ખરાદી સમાજના કારીગરો કફોડી હાલતમાં મુકાયા છે.


ગરબાની રમઝટમાં પણ રંગબેરંગી ભાતિગળ દાંડિયા જોવા મળે છે

નવરાત્રિમાં દાંડિયાથી યુવાધન રાસ રમે છે. ગરબાની રમઝટમાં પણ રંગબેરંગી ભાતિગળ દાંડિયા જોવા મળે છે. ત્યારે દાંડિયાની કાષ્ઠકળા માટે ખરાદી સમાજ જાણિતો છે. પહેલા અર્વાચિન ગરબામાં દાંડિયા રાસનું મહત્વ હતું. પરંતુ હવે પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા અને ધંધાદારી ગરબા કે ફિલ્મી ગીતોને આધારે રમાતા ગરબાને કારણે દાંડિયા રાસનું મહત્વ ઘટી ગયું છે. ઈ કોમર્સ વેબસાઈટ પર વિવિધ ડિઝાઈન સાથે દાંડિયા વેચાવા લાગ્યા છે.

દાંડિયા બનાવતા કારીગરોની હાલત કફોડી બની

સમાજના લોકોનું કહેવું છે કે, દાયકાઓથી હાથથી દાંડિયા બનાવતા ખરાદી સમાજના કારીગરો મશીન અને આધુનિક ડિઝાઈન તરફ અપગ્રેડ ના થઈ શક્યા જેને કારણે દાંડિયા બનાવતા કારીગરોની હાલત કફોડી બની છે. વડોદરામાં લહેરિયા પાસે ખરાદીવાડમાં રહેતા 35 પરિવારોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ સાબિત થયું છે. દાંડિયા બનાવતા આ પરિવારોને મજબૂરીમાં અન્ય વ્યવસાય તરફ આગળ વધવું પડ્યું છે. હાલમાં માત્ર ચાર જ પરિવારો દાંડિયા બનાવીને વેચે છે.

હાલના યુગમાં દાંડિયાનો ક્રેઝ ઘટતાં દાંડિયા વેચાતા નથી

હાલના યુગમાં દાંડિયાનો ક્રેઝ ઘટતાં દાંડિયા વેચાતા નથી. સરકાર નાના ઉદ્યોગો માટે લોન આપે છે પણ લોન લઈને દાંડિયા બનાવીને તેનું વેચાણ થતું નથી. જેથી લોન ભરપાઈ કરવી પણ મુશ્કેલ સાબિત થાય છે. જેથી હવે દાંડિયા બનાવનાર અને વેચનાર પેઢિગત કારીગરો પણ રોજગારીની રીતે સમાપ્તિના આરે આવીને ઉભા છે.


  • Follow us on: