વડદોરા શહેર અસમાજિકતત્વો અને લુખાતત્વોનો અડ્ડો બનવા લાગ્યું છે. કહેવાતી સંસ્કારી નગરીમાં લોકો સંસ્કાર અને સંસ્કૃતિને ભૂલવા લાગ્યા છે. સામાન્ય બાબતમાં લોકો તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતો હોવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં શહેરમાં વારસીયા રોડ પર એક યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો. યુવક પર હુમલાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. યુવક આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયો. પોલીસે આ ઘટનામાં તાત્કાલિક એકશન લેતા હુમલો કરનાર લુખાતત્વોની ધરપકડ કરી.
વારસિયા રોડ પર યુવક પર હથિયાર વડે હુમલો
ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ ગતમોડી રાત્રે ગૌરવ નામનો યુવક પોતાના મિત્રને મળવા સવાદ ક્વાર્ટર આવ્યો હતો. જ્યાં અચાનક રસ્તામાં 4 યુવકોએ ગૌરવને ઘેરી લીધો. ગૌરવ આ બાબતે વધુ કંઈ સમજે તે પહેલા જ આ 4 યુવકો તેને માર મારવા લાગ્યા. 4માંથી ત્રણ યુવકોએ ગૌરવને પકડી રાખ્યો. અને એક યુવકે ગૌરવને ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા. છરી વડે ગૌરવ પર હુમલો થતા અને ત્રણ લોકોએ તેને પકડી રાખતા ગૌરવ ગંભીરપણે ઘાયલ થયો. પોતાનો બચાવ કરવા ગૌરવે અનેક પ્રયાસ કર્યા પરંતુ સામે 4ની ટોળકી હોવાથી તે સફળ થઈ શકયો નહી. દરમિયાન ત્યાં સ્થાનિકો આવી જતા ચારેય લોકો ગૌરવને ત્યાં રોડ પર મૂકી ફરાર થઈ ગયા.













