વડોદરામાં પોલીસ તંત્રને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં છાણી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ આંગડિયા પેઢીના રૂપિયા ભરેલી કારમાંથી રૂ. 50 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલો આંગડિયા પેઢીના માલિકોએ ફરિયાદ કરતા પ્રકાશમાં આવ્યો હતો, જોકે બાદમાં સમાધાન થતાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. પોલીસ કમિશનરે આ મામલાની ગંભીર નોંધ લઈને બંને કોન્સ્ટેબલોની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.
વાહન ચેકિંગ દરમિયાન 50 લાખનો તોડ કર્યો
છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને શ્રવણ વાઘેલાએ જવાહરનગર પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારને રોકી હતી. આ કારમાં આંગડિયા પેઢીના રૂ. 3.50 કરોડ રોકડ ભરેલા હતા, જે લખનઉથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. તપાસ દરમિયાન બંને કોન્સ્ટેબલોએ કારમાંથી રૂ. 50 લાખ રોકડા કાઢી લીધા હતા અને કારને જવા દીધી હતી.
આંગડિયા પેઢીના માલિકોને રૂ. 50 લાખ પરત અપાવ્યા
આંગડિયા પેઢીના માલિકોને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક છાણી પોલીસ મથકે પહોંચ્યા હતા અને પી.આઈ.ને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પી.આઈ.એ આ મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક બંને કોન્સ્ટેબલોને બોલાવ્યા હતા. પી.આઈ.એ દરમિયાનગીરી કરીને આંગડિયા પેઢીના માલિકોને રૂ. 50 લાખ પરત અપાવ્યા હતા. રૂપિયા પરત મળતાં આંગડિયા પેઢીના માલિકોએ કોઈ કાયદેસરની કાર્યવાહી કે ફરિયાદ નોંધાવી નહોતી.
કોન્સ્ટેબલની બદલી હેડક્વાર્ટરમાં કરી દીધી
જોકે, આ મામલાની જાણ પોલીસ કમિશનર સુધી પહોંચતા તેમણે ગંભીર નોંધ લીધી હતી. કમિશનરે તુરંત જ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને શ્રવણ વાઘેલાની બદલી હેડક્વાર્ટરમાં કરી દીધી છે. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ એસીપી ડી.જે. ચાવડાને સોંપવામાં આવી છે. આ ઘટનાએ પોલીસની પ્રતિષ્ઠા પર કાળી ટીલી લગાવી છે અને પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર કેટલો ઊંડો છે તે ફરી એકવાર સાબિત કર્યું છે.