વડોદરાની વ્રજ વિહાર સોસાયટીના પ્રમુખને માર મરાયો છે, રખડતા શ્વાન પ્રેમી સાથે પ્રમુખને થઇ હતી બોલાચાલી અને શ્વાનને રોટલી ખવડાવવા બાબતે કહેતા બોલાચાલી થતા પ્રમુખને કારમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને અજ્ઞાત સ્થળે પ્રમુખને ફેંકી કાર ચાલક ફરાર થયો હતો, તો પ્રકાશભાઇને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા અને જેપી રોડ પોલીસે બે લોકોની અટકાયત કરી છે.


વ્રજ અને અંકિતની ધરપકડ કરી લેવાઇ : DYSP

આ સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, એસીપી એ.વી. કાટકડનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, પ્રકાશ પટેલને ત્રણ લોકોએ માર માર્યો હતો અને વ્રજ, અંકિશ, રામેશ્વર નામના લોકોએ માર માર્યો હતો અને કારમાં અપહરણ કરી માર મારી છોડી મુકાયા હતા, વ્રજ અને અંકિતની ધરપકડ કરી લેવાઇ છે અને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, રામેશ્વર નામના આરોપીની શોધખોળ ચાલુ છે.

શેરી કૂતરા બાબતે કેટલાક સ્થાનિક રહીશોમાં તકરાર થઈ હતી

વાસણા રોડની વ્રજવિહાર સોસાયટીમા બે દિવસ અગાઉ શેરી કૂતરા બાબતે કેટલાક સ્થાનિક રહીશોમાં તકરાર થઈ હતી. જેથી સોસાયટીના પ્રમુખ પ્રકાશ બેચરભાઈ પટેલ (ઉ.૬૫) મામલો શાંત કરવા ગયા હતા. જે બાદ પ્રકાશ પટેલને એક શખસે ફોન કર્યો અને કૂતરાને મારવા મુદ્દે સવાલો કર્યાં હતાં. જે બાદ ફોન કરનારે કેટલાક વીડિયો પ્રકાશભાઈને વોટ્સએપ કર્યા હતાં. લગભગ બપોરે એક વાગે અજાણ્યા નંબરથી પ્રકાશભાઈ પર ફરી ફોન આવ્યો હતો. ફોન પર વાત કરતી મહિલાએ પણ કૂતરાને મારવાના મુદ્દે સવાલ કર્યાં હતાં. જેથી પ્રકાશભાઈની પત્નીએ કૂતરાને બિસ્કીટ ખવડાવતા હોવાની વાત કરતા મહિલાએ ફોન કાપી નાંખ્યો હતો.

જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વ્રજ, અંકિત અને રામેશ્વર સામે હત્યાની કોશીષનો ગુનો નોંધાયો હતો

સાંજના સમયે પ્રકાશભાઈ પર ત્રીજી વાર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને મકાન/જમીન વેચાણની વાત કરી મળવા માટે બોલાવ્યા હતાં. જેથી પ્રકાશ પટેલ સોસાયટીની બહાર આઈ લવ વડોદરા પાસે તેમનું એક્ટિવા લઈને ગયા હતાં. ત્રણ યુવકો કાર લઈને ત્યાં આવ્યાં અને પ્રકાશભાઇને બળજબરી અંદર બેસાડી દીધાં હતાં. બે શખસ કારને તાંદલજા તરફ લઈ ગયા, જ્યારે એક એક્ટિવા લઈને કાર પાછળ ગયો હતો. જે બાદ બે યુવકોએ મારવા માટે પૈસા આપ્યા હોવાથી અમે નડિયાદથી આવ્યાનું જણાવી પ્રકાશ પટેલ પર હુમલો કર્યો હતો. જે બાદ કૂતરાને મારશો તો જીવતા નહીં રહો તેવી ધમકી આપી હતી. મોડી રાતે ત્રણેયે પ્રકાશ પટેલને છોડતા તેઓ એક્ટિવા લઈને તેમના ઘરે પહોંચ્યા હતાં. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વ્રજ, અંકિત અને રામેશ્વર સામે હત્યાની કોશીષનો ગુનો નોંધાયો હતો.

 

  • Follow us on: