વડોદરામાં હવે પાલતુ પ્રાણીઓ પણ સુરક્ષિત નથી રહ્યા. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ એક મોંઘી વિદેશી બ્રીડના શ્વાનના બચ્ચાની તસ્કરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ એક બાઇક પર આવે છે.


વિદેશી બ્રીડના શ્વાનના બચ્ચાની ઉઠાંતરી

તેમાંથી એક શખ્સ બાઇક પરથી ઉતરીને ગલુડિયાને ઉઠાવી લે છે અને તરત જ બાઇક પર બેસીને ફરાર થઈ જાય છે. આ ઘટનાએ પાલતુ પ્રાણીના માલિકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. આ મોંઘા અને ઊંચા ભાવે વેચાતા શ્વાનની ચોરીનો આ પ્રકારનો પહેલો બનાવ સામે આવ્યો છે. ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા લોકોમાં આ ઘટના બાદ ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે.

બાઇક પર સવાર બે વ્યક્તિઓએ કરી ઉઠાંતરી

આ તસ્કરો માત્ર મોબાઇલ કે વાહનોની ચોરી કરતા નથી પરંતુ હવે તેઓ પાલતુ પ્રાણીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. વિદેશી બ્રીડના શ્વાનના બચ્ચા મોંઘા ભાવે વેચાય છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધતી ગુનાખોરી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: