નવસારી શહેરમાંથી ગરીબોના હકનું અનાજ સગેવગે થતું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારી શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા કચરાના ઢગલામાંથી સરકારી અનાજના ઢગલાબંધ પાઉચ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તરેહ-તરેહના તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે, અને રેશનિંગના અનાજ વિતરણની વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.


તુવેરદાળના પેકેટ્સ રોડ પર મળતાં કૌભાંડની આશંકા

મળી આવેલા આ જથ્થામાં ખાસ કરીને સરકારી યોજના હેઠળ અપાતી તુવેર દાળના ખાલી પાઉચ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. સરકારના નિયમ મુજબ આ સીલબંધ પાઉચ સીધા જ રેશનકાર્ડ ધારક એટલે કે લાભાર્થી ગ્રાહકને આપવાના હોય છે, પરંતુ આ પાઉચ ખુલ્લા બજારમાં કચરામાંથી મળી આવતા એવી દ્રઢ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ અનાજચોરે સરકારી અનાજને પાઉચમાંથી ખાલી કરીને ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી માર્યું છે.

ગરીબોના હક પર ત્રાપ અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવ્યો હોવાના આ બોલતા પુરાવા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવતું અનાજ કાળાબજારીયાઓ નાગરિકો સુધી પહોંચવા જ નથી દેતા તે આ ઘટના પરથી સાબિત થાય છે. કચરામાં ફેંકાયેલા આ પાઉચ જ કૌભાંડની ચાડી ખાઈ રહ્યા છે.

પુરાવા સામે આવ્યા બાદ હવે તંત્ર સામે સવાલ?

સરકારી અનાજ ચોરી અને ગેરકાયદે વેચાણની આ આશંકા વચ્ચે હવે સ્થાનિક વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ પર સવાલો ઉભા થયા છે. હવે જોવું એ રહ્યું કે, આ મામલે તંત્ર કેટલી ગંભીરતા દાખવે છે? રેશનિંગ માફિયાઓ દ્વારા આચરવામાં આવેલા આ કારસાના પાકા પુરાવા રસ્તા પરથી મળી ગયા હોવા છતાં જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાય છે, તે તો આવનારો સમય જ જણાવશે.


આ પણ વાંચો - Navsariમાં ACBની સફળ ટ્રેપ: જમીનની કામગીરી માટે લાંચ લેતા જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સહિત બે રંગેહાથ ઝડપાયા


  • Follow us on: