ગુજરાતમાં ચાર હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ગત જૂન મહિનામાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગામડાઓમાં ચૂંટાયેલા સરપંચોનો તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે નવસારી ખાતે યોજાયેલ નવનિયુક્ત સરપંચો અભિવાદન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સરપંચોને ટકોર કરી હતી.


સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે કરજો

નવસારી ખાતે યોજાયેલા સરપંચ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સરપંચોને ટકોર કરતાં કહ્યું હતું કે, તમે ગામના વિકાસ માટે ચૂંટાયા છો. કોન્ટ્રાક્ટર બનવા માટે નહીં. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે કરજો. સી.આર. પાટીલે જય શંકર પાર્ટી પ્લોટ નજીક નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક વેપાર બજાર નું લોકાર્પણ કર્યું હતું.તેમણે સરપંચ અભિવાદન સમારોહમાં પણ હાજરી આપી હતી જ્યાં હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું સન્માન કર્યું હતું.

પૈસાની બાબતમાં ખુબ સંભાળીને કામ કરવાનું છે

આ પહેલા રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલા સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા ચૂંટાયેલા સરપંચોને તાકિદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં, પૈસાની બાબતમાં ખુબ સંભાળીને કામ કરવાનું છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ થાય છે. કોઈપણ સરપંચ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં. ભ્રષ્ટાચારના મામલામાં કોઇને છોડ઼્યા પણ નથી. નવા સરપંચ બન્યા હો તો કોઇની વાતોમાં આવતા નહીં. પૈસાની બાબતમાં ખુબ સંભાળીને કામ કરવાનું છે.પૈસા પાછળ દોડવા જેવું નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી અને કોઈને છોડવાના નથી.


  • Follow us on: