ગંભીરાની દુર્ઘટના બાદ ગંભીર બનેલી રાજ્ય સરકાર હવે એકશનમાં આવી છે. રાજ્યના તમામ પુલોની ચકાસણી કરવામાં આવી છે. ત્યારે નવસારીમાં એક જર્જરિત બનેલા 60 વર્ષ જુના પુલ ઉપર માત્ર લિપાપોતી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.


હરણગામ નજીક નો પુલ અતિ જર્જરીત અવસ્થામાં હોવાનું સામે આવ્યું

ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે રાજ્ય ના તમામ બ્રિજની ચકાસણી કરવા આદેશ આપ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં કાવેરી નદી ઉપર સ્થિત હરણગામ નજીક નો પુલ અતિ જર્જરીત અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૧૯૬૫માં નિર્માણ થયેલ આ પુલ ઉપર વાહનોની ભારે અવર જવર રહેતા તે બિસ્માર થયો હતો. જે અંગે સ્થાનિક આગેવાનો એ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઇ ન હતી. પરંતુ વડોદરાની દુર્ઘટના બાદ તુરંત આ પુલ નું સમારકામ હાથ ધરાયું છે. જોકે તે કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.

બિસ્માર બનેલા પુલ ઉપર કંપન અનુભવાય છે

ગ્રામ્ય વિસ્તારોને વાપી શામળાજી હાઈવે સાથે જોડતો આ પુલ બિસ્માર બનતા તેના સમારકામની માગ ઉઠી હતી. ભારે વાહનો અને ઓવરલોડ લઈને ચાલતા વાહનોનો ભાર વહન કરી બિસ્માર બનેલા પુલ બાબતે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આ બ્રિજ નો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરવા માંગ કરી છે. બિસ્માર બનેલા પુલ ઉપર કંપન અનુભવાતા સ્થાનિક લોકો ને ભય સતાવી રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા આ પુલ ઉપર હાલ ફક્ત ગાબડા પૂરી સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

  • Follow us on: