મહારાષ્ટ્રના માણિકપુર પોલીસ મથક વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક નાની બહેને જ પોતાની મોટી બહેનના ઘરે લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. આ ઘટનામાં આરોપી બહેન જેનું નામ જ્યોતિ ભાનુશાલી છે અને તે નવસારીના ગણદેવી ખાતે રહેતી હતી. તેણે પોતાના જ પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ લૂંટનો મુખ્ય હેતુ શેરબજારમાં થયેલા ભારે નુકસાનની ભરપાઈ કરવાનો હતો. જ્યોતિ ભાનુશાલીએ શેરબજારમાં મોટું નુકસાન કર્યું હતું.


મોટી બહેનના વૃદ્ધ સસરાને બંધક બનાવી 50 લાખની લૂંટ

આ નુકસાનમાંથી બહાર આવવા માટે તેણે પોતાની મોટી બહેનના ઘરે લૂંટ કરવાની યોજના બનાવી હતી. તેણે પુરુષનો વેશ ધારણ કર્યો અને મહારાષ્ટ્રના માણિકપુર વિસ્તારમાં રહેતી મોટી બહેનના ઘરે પહોંચી હતી. લૂંટ દરમિયાન તેણે મોટી બહેનના વૃદ્ધ સસરાને બંધક બનાવ્યા હતા અને ઘરમાંથી 50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ ચકચારી લૂંટ બાદ તે તાત્કાલિક પોતાના ઘરે ગણદેવી પરત આવી ગઈ હતી. 50 લાખની લૂંટનો આ બનાવ બનતા જ મહારાષ્ટ્ર પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઈ હતી.

50 લાખની લૂંટ થતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઈ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જ્યોતિ ભાનુશાલી પર શંકા ગઈ હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે નવસારી ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને ગણદેવી ખાતે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું અને લૂંટારી બહેન જ્યોતિ ભાનુશાલીને ઝડપી પાડી હતી. જ્યોતિ ભાનુશાલીની ધરપકડ બાદ તેને મુંબઈ લઈ જવામાં આવી છે. જ્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ પરિવારના સંબંધો અને વિશ્વાસ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે.


  • Follow us on: