પંચમહાલ જિલ્લાના કાલોલમાં મનરેગા યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોથી ખળભળાટ મચ્યો હતો. આ મામલે કાલોલના તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમણે એક તપાસ સમિતિની રચના કરી છે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ યોજના હેઠળ થતા કામો, શ્રમિકોની હાજરી અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિઓ થઈ હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા.


કાલોલના TDOએ મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા

આ ગંભીર આક્ષેપો બાદ સ્થાનિક તંત્ર પર કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું હતું. આ મામલે કાલોલના TDOએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા તહ્યું હતું કે મને મનરેગા મામલે વાત જાણવા મળી છે. જોકે મેં હમણાં જ ચાર્જ લીધો છે. છતાં પણ મેં આ મામલે એક તપાસ સમિતિ બનાવી છે. આ સમિતિના રિપોર્ટના આધારે જો તથ્ય જણાશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. TDOના આ નિવેદનથી લોકોમાં આશા જાગી હતી કે આ કૌભાંડનો પર્દાફાશ થશે અને ભ્રષ્ટાચાર કરનારાઓને સજા મળશે.

આક્ષેપોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી

હાલ તપાસ સમિતિ દ્વારા આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું. આ સમગ્ર ઘટનાએ સરકારી યોજનાઓમાં થતા સંભવિત ભ્રષ્ટાચાર પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો હતો અને પારદર્શિતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


  • Follow us on: