પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધરોલાખુર્દ ગામની ગ્રામ પંચાયતના વીસીઈ તેમજ તેના 2 સાગરિતોએ આવાસ મંજુર કરાવી આપવાના નામે 76 જેટલા લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ એક-એક હજાર રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.


ગ્રામ પંચાયતના વીસીઈ સહિત ત્રણેય શખ્સોએ રૂપિયા પડાવ્યા

જેમાં ધરોલાખુર્દ ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન સર્વેની કામગીરી દરમિયાન વીસીઈ (કોમ્પ્યુટર ઓપરેટર) તરીકે ફરજ બજાવતો સંજય વશરામ પરમાર અને ભારતસિંહ જાલુસિંહ બારીયા તેમજ અજીતસિંહ બળવંતસિંહ નામના અન્ય બે શખ્સોએ ગ્રામજનોને જણાવ્યું હતું કે તમારે પ્રધાનમંત્રી આવાસ મંજુર કરાવવું હોય તો એક હજાર રૂપિયા આપવા પડશે, જેથી તમારા ફોટા પાડીને અપલોડ કરવાના થશે તેમ કહીને ગ્રામ પંચાયતના વીસીઈ સહિત ત્રણેય શખ્સોએ 76 જેટલા લાભાર્થીઓ પાસેથી એક લાભાર્થી દીઠ રૂપિયા 1000 ઉઘરાવ્યા બાદ લાભાર્થીઓના ફોટા પણ પાડ્યા હતા. પરંતુ આ ત્રણેય શખ્સોએ લાભાર્થીઓના ફોટા કે નામો આવાસ યોજનાની યાદીમાં સમાવેશ કર્યા ન હતા.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

જોકે પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં લાભાર્થીઓના નામ ન આવતા ધરોલાખુર્દ ગામના 76 લાભાર્થીઓએ સોગંધનામા રજૂ કરી તેઓની સાથે આવાસ મંજુર કરાવવાના નામે 1000 રૂપિયા લઈ છેતરપિંડી થઈ હોવાની શહેરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આમ, ધરોલાખુર્દ ગામના વીસીઈ તેમજ અન્ય બે શખ્સોએ લાભાર્થીઓ પાસેથી આવાસ મંજૂર કરાવવા માટે 1,000 દીઠ 76 લાભાર્થીઓ પાસેથી 76,000 રૂપિયા ઉઘરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે શહેરા તાલુકા વિકાસ અધિકારીએ વીસીઈ સહિત ત્રણેય શખ્સો સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

  • Follow us on: