તાજેતરમાં પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિરના બાંધકામ માટે વપરાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતા 6 લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર યાત્રાધામોમાં રોપ-વેની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટનામાં લિફ્ટ ઓપરેટર, શ્રમિકો અને અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ આ ઘટના ભૂતકાળમાં બનેલા અકસ્માતોની યાદ તાજી કરાવે છે.
પાવાગઢમાં અગાઉ પણ બન્યા છે અકસ્માતો
આ પહેલીવાર નથી કે પાવાગઢમાં રોપ-વેને લગતી દુર્ઘટના બની હોય. જાન્યુઆરી 2003 માં મુસાફરો માટેના રોપ-વેમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ કેબલ કાર નીચે પટકાતા 7 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આર્મી અને એરફોર્સની મદદથી બચાવ કાર્ય કરવું પડ્યું હતું. આ ઉપરાંત, ઓગસ્ટ 2023 માં પણ એક કેબલ ડિસ્લોજ થવાને કારણે 40થી વધુ મુસાફરો અધ્ધર લટકી ગયા હતા, જોકે સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાઓ દર્શાવે છે કે, આ યાત્રાધામમાં રોપ-વેની સુરક્ષા હંમેશા ચિંતાનો વિષય રહી છે.













